ન્યાયતંત્ર: જવાબદેહિતા વિનાની સતા?

 

નોધ :  અહીયા રજૂ કરવામાં આવેલ માહિતિનો આશય ન તો ન્યાયતંત્રની અવમાનનાનો છે ન તો ન્યાયાલયે આપેલ નિર્ણયોની ટીકા કરવાનો. સાચા તથ્યો અને માહિતિ વડે મુદ્દાનું વિશ્લેષણ કરવું એ જ મારો મુખ્ય ધ્યેય છે.

 

ન્યાયતંત્ર: જવાબદેહિતા વિનાની સતા?

             વાડ થઈ ચીભડા ગળે” આ કહેવત આપણે સ્વાર્થી નેતાઓ, ભષ્ટાચારી તંત્ર કે અનૈતિક સંસ્થાઓ માટે વાપરતા હોઈએ છીએ પણ આજે ન્યાયતંત્ર વિષયના લેખમાં કેમ આવુ લખવુ પડયું? સવાલ સાચો છે... પણ આ સવાલ હજારો સમસ્યાઓથી ઘેરાયેલો છે. આવુ કેમ ?

              બંધારણે આપણને સર્વાગી વિકાસ, ન્યાયી સમાજ તથા સમાન તકોની પ્રાપ્તિ માટે મુળભુત અધિકારો આપ્યા છે. જેને બંધારણના અનુ-૩૨ વડે “ બંધારણીય ઉપચાર” નુ કવચ પણ મળેલ છે.જેનો અર્થ એ છે કે અડધી રાત્રે પણ તમે અન્યાયની સામે કોર્ટના દરવાજા ખટખટાવી શકો છો.પણ સવાલ એ ઊભો થાય છે કે જો “ન્યાયતંત્ર” વડે જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૂળભૂત અધિકારોનુ હનન થાય તો....? ન્યાયતંત્ર જ પોતાનુ કાર્ય બંધારણીયકે નૈતિકરીતે કરવામાં નિષ્ફળ નીવડે તો….?આવુ થાય તો આપણી પાસે કોઈ કાયદાકીય કે બંધારણીય રસ્તો ખરો!

              હાલમાં જ આવેલા India Justice Report’ અનુસાર ન્યાયાલયોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા ૪ કરોડ પાર થઈ છે અને આવા કેસોની સંખ્યા ખૂબ ઝડપથી વધે છે.જેને અનુલક્ષીને કાયદાપંચે ટકોર પણ કરી હતી કે જો કેસોની સંખ્યા આ રીતે જ વધતી ગઈ તો આવનાર ૫૦૦ વર્ષામાં પણ Case Pendency Ratio’ શૂન્ય થશે નહિ. પણ આ તથ્ય મૂળભૂત અધિકારનું હનન કઈ રીતે કરે છે?

               દેશની જેલોમાં રહેલા કુલ કેદીઓમાંથી ૬૦% સંખ્યા “Under Trial” કેદીઓની છે.આ એવી સંખ્યા છે જેની પર ગુનાની સાબિતિ પણ નથી થઈ કે નથી બેલ મળી! એમાય કેટલાક કેદીઓ તો એવા છે કે પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઈ કેસ પણ લડી શકતા નથી.આવા લોકોને કયા ગુનાની આ સજા મળે છે? બંધારણનો અનુચ્છેદ-૨૧ ગરિમામય જીવન જીવવાની સ્વતંત્રતા’’ આપે છે પણ ન્યાયાલયના અકાર્યક્ષમ વહીવટ અને ગેરજવાબદાર વ્યવસ્થાના લીધે આવા હજારો નહિ કરોડો નાગરિકોના માનવ અધિકારો” નુ ખુલે આમ હનન થાય છે.ખુદ સર્વોચ્ય ન્યાયાલયે વર્ષ-૧૯૭૯ માં હૂસેન ખાતૂન VS State of Bihar કેસમાં “ Right To Speedy Trial” ને અનુ-૨૧ મુજબ મૂળભૂત અધિકાર ગણ્યો છે. હવે આવી પરિસ્થિતિને લીધે તેના સમાજ પર પ્રત્યાઘાત પડયા વિના કેમ રહે?

           હોટસ્ટાર પર આવેલ Criminal justice વેબસીરીજ પર આ પરિસ્થિતિને બખૂબી દર્શાવાઈ છે.એક વ્યક્તિ (જેમાં મહિલા પણ સામેલ છે) જેને જે ગુનો કયારેય કર્યો નથી તેને માટે કેવી દર્દનાક અને અમાનવીય જીવન વ્યવસ્થા સ્વીકારવી પડે છે.જેલમાં આવા વ્યક્તિઓ ખરાબ સ્વાસ્થ્ય, અમાનવીય તેમજ સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યો, હિંસક ઝડપ (Clash) વગેરેની ઝપેટમાં આવે છે અને વગરની ગુનાની સજામાં પોતાના અમૂલ્ય જીવનને નષ્ટ કરે છે.

                     આ સિવાય વર્ષો બાદ મળેલ ન્યાયને આપણા ન્યાયશાસ્ત્રીઓ અન્યાય જ માને છે  જેનુ ઉદાહરણ પણ હાલ આવેલ વેબ સીરીઝ ‘ Rocketry-The Nambi Effect’માં દર્શાવાયું છે. નમ્બી નારાયણ એ ISRO ના વૈજ્ઞાનિક હતા તેઓની સામે ૧૯૯૬ માં CBI ધ્વારા જાસૂસી કેસમાં (Espionage)ધરપકડ કરાઈ હતી. વર્ષ ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટે તેઓને નિર્દોષ છોડયા. એવુ વ્યક્તિત્વ જેને દેશ માટે વિકાસ રોકેટ એન્જિન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી તેણે જીવનના ૨૦ વર્ષ એ આરોપ નીચે જીવવુ પડયુ કે એ “દેશદ્રોહી” છે આ અન્યાય માટે જવાબદાર કોણ?

                     બંધારણ અંનુચ્છેદ ૧૪ નો પ્રથમ ભાગ “કાયદા સમક્ષ સમાનતા” નો સિધ્ધાંત આપે છે જેની સામાન્ય વ્યાખ્યા થાય કે તમામ વ્યક્તિઓ કાયદાની નજરમાં સમાન. કોઈ પણ પ્રકારના વિશેષાધિકાર ભારતમાં મોજૂદ નથી. પણ આજે ન્યાયાલયોમાં જાણે આ વાત લાગૂ પડતી જ નથી.મોટી સેલીબ્રીટીઓ,નેતાઓ,રાજનીતિક ઘટનાઓ આંતકીઓની ફાંસી બાબત વગેરે માટે કોર્ટમાં પોતાની ‘Date’ આવતા સમય લાગતો નથી પણ સામાન્ય વ્યક્તિઓ માટે સીધી ૩-૪ મહિનાઓની મુદત પર મુદત પડે છે.હાલમાં જ આવેલા સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરાના કેસમાં આ બાબત જોવા મળે છે. ડ્રગ્સ કેસમાં ખાન સાંહેબના પુત્રની ધરપકડ બાદ માત્ર અઠવાડિયામાં જ બોમ્બે હાઈકોર્ટમાં કેસ બોર્ડ પર આવી ગયો. એની સામે આ જ ન્યાયાલયમાં આ જ પ્રકારના કેસોની હજારો જામીન અરજીઓ પડતર પડી છે.પણ આવા લોકોનો ગુનો છે કે તેમની પાસે નથી મોઘા વકીલો કે નથી મોટુ પીઠબળ. તો શુ આ વિશેષાધિકાર નથી? ન્યાયક્ષેત્રે જોડાયેલા તમામ લોકો જાણે જ છે કે મોટા ગજાના વકીલો પોતાનો કેસ કઈ રીતે બોર્ડ પર લાવે છે. અને એની માટે તેઓ લાખો રૂપિયા ફી વસૂલે છે. આ તથ્યો દર્શાવે છે કયાંક ને કયાંક ન્યાયાલયના દરવાજે જ મૂળભૂત અધિકારોનું હનન થાય છે.

                     બંધારણનો અનુ-૨૦(૨) જણાવે છે કે એક જ કેસમાં એક જ વ્યક્તિ પર  બે વખત ટ્રાયલ ન  થઈ શકે. તેના આધાર પર વિવાદિત નિવેદનથી ચર્ચામાં આવેલા ન્રુપુર શર્માએ સુપ્રીમમાં અરજી કરીને પોતાને લગતા તમામ કેસ એક જ જગ્યાએ ટ્રાન્સફર કરવા માંગ કરી, પણ ન્યાયાલયે કોઈ લિખિત નિર્ણય આપ્યા વિના જ શાબ્દિક ટિપ્પણીઓ કરીને બળતામાં જાણે ઘી હોમ્યું. ન્રુપુર શર્માએ કરેલ ટિપ્પણી પર કોઈ શાબ્દિક “ટિપ્પણી” કરવી એ ન્યાયાલયનુ ન્યાયક્ષેત્ર કયાંથી બને ? તેના પર કેસ ચલાવો ત્યારબાદ થયેલ ગુનાની સજા આપો.ન્યાયાલય દ્વારા થતી શાબ્દિક ટિપ્પણીઓની સીમા હોવી આવશ્યક છે.

                     ભારત બંધારણ અને તેની તમામ જોગવાઈઓ કુદરતી ન્યાયના સિધ્ધાંતનુ પાલન કરે છે.પણબંધારણનો વાલીએવી સંસ્થા આ બાબતથી વેગળી જણાય છે.ન્યાયાધીશોની નિમણૂક માટેની પધ્ધતિ કોલેજીયમ સિસ્ટમ’ ,જેમાં તેઓ પોતાની જાતે જ પોતાની પસંદગી કરે છે.જેમાં રાષ્ટ્રપતિ કે સંસદની સતા પણ શુન્ય છે. શુ કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ પોતાની પસંદગી પોતાની જાતે કઈ રીતે નિષ્પક્ષ તથા ન્યાયી પધ્ધતિથી કરી શકે? અને કરે તો પણ તે પારદર્શી ગણાય ખરી? જે માટે વર્તમાન સરકારે લાવેલ NJAC (National Judicial Appointment Commission)ને પણ ન્યાયાલયે ગેરબંધારણીય જાહેર કર્યુ.આ સિવાય સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પોતાના વિરુધ્ધ થયેલ ફરિયાદમાં પોતે જ જજ થયા હતા ! તો લાગતુ નથી કે ન્યાયતંત્રએ પણ પોતાના ચશ્મા આગળની ધૂળ સાફ કરવાની આવશ્યકતા છે ?

                     ન્યાયિક સક્રિયતાજેવા ઉચ્ચ સૈધ્ધાંતિક મૂલ્યને ન્યાયતંત્રનુ ઘરેણુ ગણવામાં છે. જે અંતર્ગત PIL (જાહેર હિતની યાચિકા) શકય બની છે.પણ....સામાન્ય વ્યક્તિ હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટમાં પિટિશન/PIL કરવા જાય ત્યારે વકીલની ફી સાંભળીને વળતા પગલે થઈ જાય છે. લાખો રૂપિયાની ફી,સરકારી વકીલોની ઓછી સંખ્યા તેમજ રાજયનો ન્યૂનતમ સહકાર વ્યક્તિની ન્યાયાલય જવાની ઈચ્છા સામે અડચણ બને છે. બંધારણના રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો અનુ-૩૯ (A)મફત કાનૂની સહાયની વાત કરી છે. પણ કમસેકમ આજે આ હકીકત નથી બન્યું એ આપણે સ્વીકારવુ જ પડશે.

                      હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ એક ચુકાદો આપ્યો કે ગુજરાત હાઈકોર્ટની પ્રોસિડીંગની લાઈવ સ્ટ્રીમીંગની કોઈ વિડિયો કલીપ સોશિયલ મીડીયામાં વાયરલ ન થઈ શકે.આપણે આશા રાખીએ છીએ કે કારોબારી તથા ધારાતંત્ર પોતાની તમામ કામગીરી પારદર્શી બનાવવા માટે ‘Right To Information’ પૂરી પાડે.જેને અમલમાં લાવવા સોશિયલ મીડીયા હથિયાળ બની શકે છે.પણ ન્યાયાલય શા માટે સોશિયલ મીડીયા પર આવા પ્રતિબંધો લાદે છે? પોતાની કાર્યવાહીના અમુક અંશો કે જજની કોમેન્ટ દ્વારા પોતાની છબી ખરડાશે એવો એને ડર છે શું? ન્યાયાલય જ્યારે કારોબારીને “Right To Dissent” ના સિધ્ધાંતનું પાલન કરવાના આદેશ આપે છે ત્યારે આ વાત પોતાના પર લાગૂ ન પડે ? જો કે સોશિયલ મીડીયા પર ન્યાયાલયના નિર્ણયો કે કોમેન્ટનું ગેરવાજબી રીતે અર્થઘટન કરવુ તથા ન્યાયાધીશો સામે વ્યક્તિગત ટિપ્પણી કરવી એ દર્દનાક ગણાય. સભ્ય સમાજમાં આવી ઘટનાઓ લાંછન ગણાશે સાથે જ ન્યાયાલય ને મળેલ વિશાળ તથા અસીમીત સતાઓની સામે જવાબદેહિતા નક્કી કરવી પડશે.

                      બંધારણ કારોબારી,ધારાસભા તથા ન્યાયતંત્ર ત્રણેયના “Check & Balance” ના સિધ્ધાંત પર ટકેલ છે.જે રીતે કારોબારી તથા ધારાસભા ન્યાયિક સમીક્ષાવડે સંતુલનમાં રહે છે તેજ રીતે ન્યાયતંત્રએ પોતે જ ઉચ્ચ સૈધ્ધાંતિક નીતિ નિર્ધારકોનું  પાલન કરવુ પડશે. જો ન્યાયતંત્ર આવુ કરવામાં નિષ્ફળ નીવડે છે તો સમાજમાં ‘Instant Justice’ જેવા ખતરનાક પાપો વધશે. સાથે-સાથે લોકોને ન્યાય આપતી સંસ્થા પરથી લોકોનો ભરોસો ઉઠશે તો લોકશાહીમાં અસંતુલન પેદા થશે.જે કયારેય પોષાશે નહિ.કોઈપણ સભ્યતા તથા તેની સંરચના હંમેશા “ન્યાય” પર ટકેલી છે. એની પ્રાપ્તિ નાગરિકોને ન થાય તો “અન્યાય” ના અવાજો વધતા વાર નહિ લાગે !

                                                                     - 'મયુર' 

 

 

Comments

Popular posts from this blog

હાથરસ માં મૃત્યુ પામેલી બાળકી સ્વર્ગમાં જઈને આપની પૃથ્વી પર શું નિહારે છે.......

અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ?

રાજકારણમાં નૈતિકતા