રાજકારણમાં નૈતિકતા
રાજકારણમાં નૈતિકતા
ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે પક્ષ-પલટુઓ
પણ ફરી ચર્ચામાં આવ્યા છે. પોતાની કારર્કીર્દિની
શરુઆત જ ભાજપને ગાળો આપીને કરનાર હાર્દિક પટેલ પણ લાજ શરમ નેવે મુકીને કેસરિયાના
રંગમાં રંગાયા.વાત માત્ર એક નેતા પુરતી સીમિત નથી પણ છેલ્લા કેટલાક સમયગાળામાં
ભારતની રાજનીતિમાં પાટલી-બદલુઓનું પ્રમાણ ખૂબ વધ્યુ છે. એક સમય હતો જ્યારે નેતાઓ
પોતાની વિચારધારા સાથે ક્યારેય બાંધછોડ કરતા નહિ જેમાં આપણે જયપ્રકાશનારાયણ, કર્પુરિ ઠાકુર, રામમનોહર લોહિયા વગેરેને આગળની હરોળમાં
મુકી શકીયે પણ આજની રાજનીતિ અને નૈતિકતાને જાણે નહાવા નીચોંવાનો સંબધ જ નથી.સાંજના
“રાજદ્રોહીઓ “ સાંજે તો “રાષ્ટ્રવાદીઓ” બની જાય છે અને સમાજસેવા અને સમાજહિતના
ખોખલા વાયદાઓ કરે છે. યક્ષ પ્રશ્ન તો એ છે કે લોકશાહીમાં આવા મૌકાપરસ્તી નેતાઓ
વધવાનું કારણ શું ?
૯૦ ના દસકામાં આવા નેતાઓ માટે “આયારામ
ગયારામની રાજનીતિ” એવો શબ્દ પ્રસિધ્ધ થયો હતો કારણ કે ગયારામ નામના એક નેતાએ ૧
મહિના કરતાં ઓછા સમયમાં ૫ થી વધુ વાર પક્ષપલટો કર્યો. આવા કિસ્સાઓ વધવાનું મૂળ
કારણ તો “સત્તા” છે. ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયમાં સત્તા વગર સેવા થઈ જ
ન શકે એવી ભ્રમણા ઉત્પન્ન થઈ છે. ખરેખર રાજનીતિ મુલ્ય આધારિત અને જનસેવા કેંદ્રિંત
હોવી જોઇએ, પણ આજે તેનો મૂળ અર્થ જ ભ્રમિત થતો જણાય છે અને
સેવાના નામે મેવા મેળવી લેવાની લાલસા સ્વચ્છ રાજનીતિને ડોહળી બનાવે છે. આ સિવાય
યુવા નેતાઓને ટુંક જ સમયમાં પદ, પ્રસિધ્ધી , પૈસો અને સત્તા મેળવી લેવી છે. ત્યાગ, તપસ્યા,
મહેનત, લોકસંપર્ક , સત્યનિષ્ઠતા,
ઈમાનદારી જેવા લોકશાહીના પાયાના મૂલ્યો ન સમજનાર નેતાઓ ધીરજની કમીના
સફળતાનો શોર્ટકટ અપનાવે છે.
આજની રાજનીતિ જાણે ચૂંટણી જિતવા પુરતી સીમિત
થઈ ગઈ હોય એવું જણાઇ રહ્યુ છે જેને લીધે પક્ષની
વિચારધારા કે અન્ય નૈતિક મૂલ્યોનું તો સરેઆમ ચીરહરણ થતુ જણાય છે. સત્તાઓ
સાથે સાંઠગાંઠ કરીને પોતાના કામ કરાવવા કે કઢાવવા પૂરતી આજની વ્યવસ્થા લોકશાહી
માટે ખતરારૂપ બનતી જાય છે. ભારતની રાજનીતિમાં
એવા કેટલાય ઉદાહરણો છે જેમા કેટલાક નેતાઓએ ઉત્તમ દાખલો આપ્યો છે.
બાબાસાહેબ આંબેડકર કે
જેમને ‘હિંદુ કોડ બીલ’ મામલે નેહરુ કેબિનેટમાથી રાજીનામું
ધરી દીધુ હતુ. સરદારના ત્યાગ અને તપસ્યાની વાતો તો કોણાથી અજાણી છે ? અટલબિહારી વાજપેયીએ પણ ૧૯૯૬-૯૭ માં પોતાની સરકાર બચાવવા ૧ વોટની જ જરૂર
હતી જેને “મેનેજ” કરવાને બદલે પ્રધાનમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. પણ
આજે તો “સત્તાથી પૈસા અને પૈસાથી સત્તાનું”
ચક્ર બંધારણ નિર્માતાઓના સ્વપ્નના ભારતને રોંદે છે.
જોકે
જનતાએ પણ જાણે આવા પાટલી બદલુઓને બરાબર પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો હોય એવું લાગી
રહ્યું છે, જેના કેટલાય ઉદાહરણ ગુજરાતમાં જ છે.
પણ આવા કહેવાતા સમાજસેવીઓ પર ચૂંટણીપંચે તથા સંસદે ‘પક્ષ પલટા અધિનિયમ’થી આગળ વધવાની જરૂરિયાત જણાઇ રહી
છે. ગાંધીજીએ આપેલ “સાત સામાજીક પાપ જેમા પણ “સિધ્ધાંત વિનાની રાજનીતિ” ને સામેલ
કરેલ છે. આવા તત્વોને સમાજે સાથે મળીને જાકારો આપવો જ પડશે કારણકે સંસદ હોય કે
રાજનીતિ અંતે તો એ સમાજના જ દર્પણ છે ને.
- 'મયુર'
Comments
Post a Comment