શ્રેષ્ઠ કોણ ? ભારત કે પશ્વિમ દેશો ?

 

શ્રેષ્ઠ કોણ ? ભારત કે પશ્વિમ દેશો ?

વિપક્ષના એક નેતાએ હાલમાં જ કેમ્બ્રિજ યુનિવસિટીમાં કેટલીક બાબતો પર પોતાના મત રજુ કર્યા જે પૈકી તેઓએ ભારતમાં ધાર્મિક-સામાજિક ધ્રુવિકરણ, લઘુમતિ-વંચિતો પર મોબલીચીંગ, માનવાધિકાર હનન વગેરે જેવા મુદ્દાઓને આગળ ધરીને પોતે અને પોતાનો પક્ષ લીબરલ હોવાનો જાણે પૂરાવો આપ્યો. આપણા માટે કે દેશના કોઈ પણ નાગરિક માટે આવા તર્કો-વિતર્કોને રાજનીતિ અથવા ચુંટણીલક્ષી ગણવા કરતા એ બાબત પર વિચાર આવવો જોઇએ કે ઉક્ત બાબતો અથવા સામાજિક બદીઓ શું ભારતમાં જ છે ? આપણા નેતાઓ અથવા કહેવાતા બૌધ્ધિક લોકો અમેરિકા કે યુરોપમાં જઈને દેશની સમસ્યાઓ તથા ભારતીય સમાજની આંતરિક બાબતોને વિશ્વ પટલ પર લાવે છે. જેમાં કંઈ પણ ખોટું છે જ નહિ આવું કરવુ એ તેમનો મૌલિક અધિકાર છે પણ આ બાબતને આપણે સકારાત્મક લઈ ભારત અને વિકસિત દેશોની સચોટ સરખામણી કરીએ. પોતાને વિકસિત કહેતા જગત જમાદાર એવા આ દેશો  પોતાને વિશ્વનાવડીલ અને રાહચિંધનાર ગણે છે.

       શરુઆત કરીએ માનવાધિકારોના માપદંડોથી……અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ભૂતકાળમાં ગણી વખત કાશ્મીરમાં માનવધિકાર ઉલ્લંઘન બાબતે ભારત સરકારની નીતિઓ સામે સવાલ કરાયા છે. જોકે ભારતે પહેલેથી જ આ બાબતને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો છે. કશ્મિરમાં વિકાસાત્મક કાર્યો અને રાજકીય સક્રિયતા વધારવાની પ્રકિયા ચાલુ જ છે પણ જે અમેરિકાએ માનવાધિકારના નામે કેટલાય દેશોને ગ્રુહયુધ્ધમાં ધકેલ્યા એ આજે ભારતને સુફયાણી સલાહો આપી રહ્યુ છે ? અમેરિકાએ અફગાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના બહાને પોતાના અંગત હિત સ્થાપવાના પ્રયત્ન કર્યા. જેના લીધે અફઘાનમાં આજે ખાદ્ય અસુરક્ષા, તાલીબાન દ્વારા ધાર્મિક તુષ્ટીકરણ, લઘુમતિઓ પર હુમલાઓ ચરમસીમાએ છે. આ તમામ ઘાતક પરિણામો માટે જવાબદાર કોણ ? શું અહીયા માનવાધિકરના નામે અમેરિકાએ તાલિબાનીઓને ખુલ્લું મેદાન નથી આપ્યુ ? આ સિવાય ઈરાન અને ઈરાક જેવા દેશોમાં સ્થિરતા સ્થાપવાના બહાને અમેરિકાએ શું કર્યુ છે એનાથી કોણ અજાણ છે ? એની સામે ભારતે બાંગ્લાદેશ લિબરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી લાખો લોકોના જીવ બચાવાનું કાર્ય કર્યુ છે. વળી હાલમાં UN ના પીસ કીપીંગ ફોર્સમાં ભારત અવ્વલ નંબરે જ હોય છે. આજ સુધી ભારતે ક્યારેય ભૌગોલિક સરહદની બહાર અનૈતિક રીતે સૈન્યનો ઉપયોગ કર્યો નથી. જોકે ભારતની એકતા અને અખંડિતતા સામે સવાલ થાય ત્યારે સૈન્યએ પોતાનો પરચો બતાવ્યો પણ છે.

       આ બાદ હવે લોકશાહીના માપદંડોની તુલના કરીએ.......બ્રિટન જે પોતાને લોકશાહીનો જનક માને છે એ પણ આજે સાંકેતિક રુપે રાજાશાહીને સમાપ્ત કરી શક્યો નથી જ્યારે ભારતમાં સ્વતંત્રતા બાદથી આજદીન સુધી કટોકટીને બાદ કરતાં ઉચ્ચ લોકશાહીના મૂલ્યોનું પાલન થયું છે. ભલે ભારતને લોકશાહી આપવાનું શ્રેય બ્રિટનને જાય પણ 3D( Diversity, Democracy, Development)  ના સમન્વયથી સફળ લોકશાહીનું ઉદાહરણ આપણે પ્રસ્તુત કર્યુ છે.

       ૧૭૭૬ માં અમેરિકાને સ્વતંત્રતા પ્રાપ્તિ થઈ જ્યારે ભારતને તેના ૧૭૦ વર્ષ બાદ ૧૯૪૭ માં. ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં જે થયું એ આજ દીન સુધી ભારતના કોઈ રાજ્યમાં પણ જોવા મર્યુ નથી. “Transfer of Power” જેવા મૂળભૂત મૂલ્યને ત્યાંના રાજકારીણો જાળવી ન શક્યા. વળી અમેરિકાની સંસદમાં જઈને ત્યાંના લોકોએ જોકરની જેમ વિરોધ કર્યો. પોતાના દેશના પૂર્વ રાષ્ટ્રપતિને સોશિયલ મીડિયા પર બેન કરાયા હોય આવું ક્યાંય જોયુ ? જ્યારે ભારતમાં લોકસભા તથા વિધાનસભાઓના કાર્યકાળ બાદ સમયસર ચુંટણીઓ યોજાય છે અને સત્તાનું હસ્તાંતરણ પણ સરળતાથી થાય છે. આ માપદંડોની સરખામણી કરીએ તો ભારતે ટૂંક જ સમયમાં આ બાબતેપરિપક્વ લોકશાહી”  (Mature Democracy)નું ઉત્તમ દ્યોતક રજૂ કર્યુ છે એમ કહી શકાય.

       કેટલાક દેશો ભારતને ધર્મ નિરપેક્ષ હોવા બાબતે સવાલ ઉભો કરે છે આથી તેનો પણ તુલનાત્મક અભ્યાસ આવશ્યક છે. સૌ પ્રથમ તો એ વાત સ્વીકારવી જ રહી કે ધર્મ એ કોઈ પણ સભ્યતાની “સામાજીક હકીકત“ છે જેનો પ્રભાવ રાજકીય, સામાજિક, આર્થિક નીતિઓ પર પડે જ. પણ આધુનિક લોકશાહીમાં બંધારણીય અધિકારો દ્વારા તેના નકારાત્મક પ્રભાવ ઘટાડવાનો પ્રયત્ન થાય છે. ફ્રાંસ જેવા દેશોએ જ્યાં રાજ્ય અને ધર્મ વચ્ચે સખ્ત અલગતા રાખી છે ત્યાં ભારતે હિંદુ બહુમતિ દેશ હોવા છતાં “સકારત્મક ધર્મનિર્પેક્ષતાના અભિગમ” ને અપનાવ્યો છે.

અમેરિકાની ચલણી નોટો પર “IN GOD WE TRUST” વાક્ય ચિત્રિત છે જેને તેઓનો ‘Official Motto’ કહેવાય છે. બ્રિટનની સંસદના સત્રની તો શરુઆત ‘Cristian Prayer’ દ્વારા થાય છે. આની સરખામણી એ એક ભારત છે જેને “રાજ્યને કોઈ ધર્મ નથી” નો સિધ્ધાંત પરિપૂર્ણ કર્યો છે જ્યાં તમામ ધર્મો રાજ્ય માટે સમાન છે અને તમામ ધર્મોને બંધારણીય સ્વાયતત્તાઆપી છે. ભારત એ દેશ છે જ્યાં લગભગ તમામ ધર્મોની હયાતી સાથે વિવિધ ધર્મોના વ્યક્તિગત કાયદાઓ, પરંપરાઓ તથા સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં સમાજે એકરુપતા બનાવી છે.

          હવે કેટલીક સામાજિક વ્યવસ્થાનો અભ્યાસ કરીએ......છેલ્લા એક દશકામાં ભારતમાં થતા મોબ લીચીંગ, ટોળાશાહીના બનાવો, વંચિતો પર અતિક્રમણ વધ્યા છે જેને NCRB(National Crime Research Bureau) એ પણ સ્વીકાર્યુ છે પણ આવી ‘Selective’ બાબતોને હાથો બનાવીને વૈશ્વિક કક્ષાએ ક્યારેક આખાય ભારતીય સમાજનું કલંકિત ચિત્રણ કરાય છે. અમેરિકા જેવા દેશોમા “Racism” બાબતે તેઓના જ્ઞાની લોકોનો પણ કેવો “સંકુચિત દ્રષ્ઠીકોણ “ છે એ તો હાલમાં જ આપણે જોયુ છે. ભારતીય સમાજ પર આંગળી ચીંધીને કહેવાય છે કે તેઓ આટલા વર્ષો સુધી અસ્પ્રુશ્યતાને સમાપ્ત કરી ન શક્યા. તો શું આ અસ્પ્રુશ્યતા નથી ? તો શુ આ જાતિવાદ નથી ? પ્રુથ્વી પર કોઈ પણ જગ્યાએ બનતા આવા બનાવો અસ્વીકાર્ય છે પણ વિકસિત દેશો પોતાને દૂધના ધોયા ન કહી શકે કેમ કે તેઓ પણ આવી સામાજિક બદીઓથી વેગળા નથી એ સ્વીકારવાની જરુરિયાત છે. 

       ઉક્ત તથ્યો અને તર્કોને આધારે હું કે તમે એવો દાવો ક્યારેય ન કરી શકીએ ભારતીય સમાજમાં કોઈ સમસ્યાઓ કે બદીઓ નથી. હ્જું આપણા સમાજે વર્ગ સમન્વય,ધાર્મિક સમરસતા, જાતીય સમાનતા, વગેરે પર કાબુ મેળવવાનો છે. પણ ઉક્ત સરખામણીની જરુરિયાત એટલા માટે જણાઈ કે આપનો સમાજ જ્યારે વિવિધ માધ્યમો દ્વારા વિદેશની માત્ર સારી વાતો જાણી કે જોઈને પોતાને તેઓની સમકક્ષ વૈચારિક શુન્ય મહેસૂસ કરે છે જે સમયાંતરે “લઘુતા ગ્રંથી” (Inferiority Complex) માં પરિણમે છે. બ્રિટન તેમજ પશ્વિમના દેશો પોતાને હંમેશા શ્રેષ્ઠ બૌધ્ધિક” સાબિત કરવામાં આજ સુધી સફળ રહ્યા અને તેના વડે તેઓએ લગભગ અડધા વિશ્વ પર રાજ કર્યુ પણ હવે “નવ વૈચારિક ક્રાંતિ” નો સમય આવી ગયો છે.

       આ નવ વૈચારિક ક્રાંતિમાં પોતાને દરેક વાતમાં શ્રેષ્ઠી ગણવાની ચેષ્ઠા તો શૂન્ય થશે જ પણ તેની સાથે ‘New Global Order’ (નવ વૈશ્વિક વ્યવસ્થા) નો પણ આરંભ થવો જોઇએ. જેમાં ભારત જેવા વિકાસશીલ દેશો પણ સદીઓ જૂની પોતાની પરંપરાઓ અને વિરાસતો વડે વિશ્વ આખાયનું પ્રતિનિધિત્વ કરે.........

-    મયુર


Comments

Popular posts from this blog

હાથરસ માં મૃત્યુ પામેલી બાળકી સ્વર્ગમાં જઈને આપની પૃથ્વી પર શું નિહારે છે.......

અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ?

રાજકારણમાં નૈતિકતા